ઘણુંય થયું

કાવ્યસર્જન વિશે ઘણુંય થયું,
પ્રેમપ્રકરણ થયું, બધુંય થયું !

એ મને આવવા નિમંત્રે છે,
ભીંતમાં જુઓ બારણુંય થયું !

બેઉ વચ્ચેની એક બાબત છે,
ક્યાંક ખોટું થયું, ખરુંય થયું !

પણ રહેનાર ના ફરી આવ્યાં,
ઘર પડેલું ફરી ઊભુંય થયું !

અંત આવી ગયો અચાનક ને,
કંઈ અચાનક નવું શરૂય થયું !

  • ભરત વિંઝુડા

યારો

ઉપર ધરા ને નીચે આસમાન ‌ છે યારો,
લટકતાં આપણાં સૌનાં મકાન છે યારો !

હું જળને વૃક્ષ પીએ એમ પી શકું છું ક્યાં,
નહીં તો જળને માટે સૌ સમાન છે યારો !

ઘણાં ય વસ્ત્રની માફક વધારે રાખે છે,
ઘણાં ગરીબ છે, એક જ જબાન છે યારો !

નદી, પહાડ, સમંદર, વહાણ, માછલીઓ,
નજરનો ભેદ છે કે સૌ સમાન છે યારો !

સહુને ફાવી ગયું છે, બધાયમાં રહેવું,
ધરમ છે, જાતિ છે ને ખાનદાન છે યારો !

નીચે ધરા ને ઉપર આસમાન છે યારો,
અનેક માળનાં વચ્ચે મકાન છે યારો !

ભરત વિંઝુડા

તમે જ નથી

નદી, પહાડ બધું છે અને તમે જ નથી,
તમારી પાસે ઘણું છે અને તમે જ નથી !

તમારી સાથે શરૂઆતમાં થયેલી તે,
હજી ય વાત શરૂ છે અને તમે જ નથી !

કરેલો ફૂલનો વરસાદ આપણાં ઉપર,
એ ગુલમહોર ઊભું છે અને તમે જ નથી !

નજીક જઈ અને જોયું તો ખાલી ખાલી છે,
આ કેમ દ્વાર ખૂલું છે અને તમે જ નથી !

બધાંને કહેતો ફરું છું કે મારા જીવનમાં,
તમે હતાં એ ખરું છે અને તમે જ નથી !

કદી ય એવું વિચાર્યું છે જઈને મંદિરમાં ?
તમારી સામે પ્રભુ છે અને તમે જ નથી !

  • ભરત વિંઝુડા

વધારે છે

આગ નહીં, આગથી વધારે છે,
તું રતિરાગથી વધારે છે !

એટલે કે તું એક વન આખું,
યાને કે બાગથી વધારે છે !

તેં ઉપર ચિત્ર એવું દોર્યું જે,
ભીતરી દાગથી વધારે છે !

તું મને છોડી દે છે એ ઘટના,
કોઈ પણ ત્યાગથી વધારે છે !

પૂછ સંસાર છોડનારાને,
શું અનુરાગથી વધારે છે !

– ભરત વિંઝુડા

બાકી છે

ખરી કસોટી હજી પણ થવાની બાકી છે,
હજી વધારે તને ચાહવાની બાકી છે !

સતત સ્મરણમાં તને રાખવાની બાકી છે,
ને એ રીતે જ ઘડી ભુલવાની બાકી છે !

ગયા પછી તું ફરી આવવાની બાકી છે,
હજી ઘણીયે ક્ષણો જીવવાની બાકી છે !

વધારે એથી સરસ કોઈ હિંચકો ક્યાં છે ?
તું મારા હાથ ઉપર ઝુલવાની બાકી છે !

અનંત આપણાં વચ્ચેની વારતા ચાલી,
અને એ કારણે સંભારવાની બાકી છે !

સમાઈ જાઉં છું તારી જ બેઉ આંખોમાં,
નહીં તો જાતને દફનાવવાની બાકી છે !

  • ભરત વિંઝુડા

વદન એમનું

છે મુલાયમ ને માસુમ વદન એમનું,
હોય, એવું જ ઈચ્છું કે મન એમનું !

આજ સામેથી આવ્યું ઈજન એમનું,
જેમ આવ્યાં કરે છે સપન એમનું !

થાય છે એક ઘરમાં મિલન એમનું,
સાવ છત જેવડું છે ગગન એમનું !

ઘાસ પહેરીને ઊભી રહી ટેકરી,
સાવ ઢાંકી દઈને બદન એમનું !

માછલી ના તરે સાત સાગર સુધી,
સૌની માફક છે નક્કી વતન એમનું !

મારા ખિસ્સામાં છે એના કરતા વધું,
અંગ ઉપર સુશોભિત છે ધન એમનું !

  • ભરત વિંઝુડા

પ્રયાસ ન કર

પ્રેમ કરવાનો તું પ્રયાસ ન કર,
આ જગતને વધુ ઉદાસ ન કર !

તું મને શોધ સામી છાતીએ,
પીઠ પાછળ બહુ તપાસ ન કર !

દૂર તું ને નજીક પણ તું છે,
બે જગાએ સતત નિવાસ ન કર !

એક એને નિહાળીએ તો બસ,
એટલાથી વધુ ઉજાસ ન કર !

આમ હર પળ મને મિટાવીને,
ખાલીપાનેય તું ખલાસ ન કર !

ભરત વિંઝુડા

વાત છે

મનને પાછું વાળવાની વાત છે,
જાતને સંભાળવાની વાત છે !

આગ દિલની ઠારવાની વાત છે,
પ્રેમપત્રો બાળવાની વાત છે !

એમણે વ્યવહાર ચાહતનો કર્યો,
સામે ઉત્તર વાળવાની વાત છે !

ચોકઠાંમાં ગોઠવાઈ જાય સૌ,
એમ ખુદને ઢાળવાની વાત છે !

જાતમાં પણ જે ભળી શકતા નથી
જીવમાં ઓગાળવાની વાત છે !

ભરત વિંઝુડા

તારી પાસે છે

સુખનું સરનામું તારી પાસે છે,
મારું અજવાળું તારી પાસે છે !

છે અધૂરું અહીં ને અધકચરું,
એ બધું આખું તારી પાસે છે !

મારી પાસે છે વિરહના ગીતો,
પ્રેમનું ગાણું તારી પાસે છે !

પગ મુકાઇ ગયો છે મારાથી,
એ જ કુંડાળું તારી પાસે છે !

તું વખાણ્યાં કરે છે ઘર મારું,
એથી પણ સારું તારી પાસે છે !

આમ તો હોઉં છું હું એક ટકો,
જેમ નવ્વાણું તારી પાસે છે !

દેવતાઓ કરે ચમત્કારો,
ને બધા જાદુ તારી પાસે છે !

ભરત વિંઝુડા

તમે કવિતા છો !

તમે કવિતા લખો નહીં, તમે કવિતા છો,
સ્વયમની સામે પડો નહીં તમે કવિતા છો !

તમારી આજુબાજુમાં બધું કવિતામય,
બની ગયું છે જશો નહીં, તમે કવિતા છો !

નહીં તમારા વગર ચાલે શ્વાસની માફક,
નજરથી દૂર રહો નહીં, તમે કવિતા છો !

બધાય જાણતલ તો જાણે છે પિછાણે છે,
ભલે કોઈને કહો નહીં, તમે કવિતા છો !

સ્વરૂપ સૃષ્ટિમાં ઈશ્વરનું હોય છે એવું,
તમારું છે એ ભૂલો નહીં, તમે કવિતા છો !

સરસ્વતીનું છે વરદાન કોઈના ઉપર,
તમે બધાને મળો નહીં, તમે કવિતા છો !

ભરત વિંઝુડા