તમે જ નથી

નદી, પહાડ બધું છે અને તમે જ નથી,
તમારી પાસે ઘણું છે અને તમે જ નથી !

તમારી સાથે શરૂઆતમાં થયેલી તે,
હજી ય વાત શરૂ છે અને તમે જ નથી !

કરેલો ફૂલનો વરસાદ આપણાં ઉપર,
એ ગુલમહોર ઊભું છે અને તમે જ નથી !

નજીક જઈ અને જોયું તો ખાલી ખાલી છે,
આ કેમ દ્વાર ખૂલું છે અને તમે જ નથી !

બધાંને કહેતો ફરું છું કે મારા જીવનમાં,
તમે હતાં એ ખરું છે અને તમે જ નથી !

કદી ય એવું વિચાર્યું છે જઈને મંદિરમાં ?
તમારી સામે પ્રભુ છે અને તમે જ નથી !

  • ભરત વિંઝુડા

તમે કવિતા છો !

તમે કવિતા લખો નહીં, તમે કવિતા છો,
સ્વયમની સામે પડો નહીં તમે કવિતા છો !

તમારી આજુબાજુમાં બધું કવિતામય,
બની ગયું છે જશો નહીં, તમે કવિતા છો !

નહીં તમારા વગર ચાલે શ્વાસની માફક,
નજરથી દૂર રહો નહીં, તમે કવિતા છો !

બધાય જાણતલ તો જાણે છે પિછાણે છે,
ભલે કોઈને કહો નહીં, તમે કવિતા છો !

સ્વરૂપ સૃષ્ટિમાં ઈશ્વરનું હોય છે એવું,
તમારું છે એ ભૂલો નહીં, તમે કવિતા છો !

સરસ્વતીનું છે વરદાન કોઈના ઉપર,
તમે બધાને મળો નહીં, તમે કવિતા છો !

ભરત વિંઝુડા