તારી પાસે છે

સુખનું સરનામું તારી પાસે છે,
મારું અજવાળું તારી પાસે છે !

છે અધૂરું અહીં ને અધકચરું,
એ બધું આખું તારી પાસે છે !

મારી પાસે છે વિરહના ગીતો,
પ્રેમનું ગાણું તારી પાસે છે !

પગ મુકાઇ ગયો છે મારાથી,
એ જ કુંડાળું તારી પાસે છે !

તું વખાણ્યાં કરે છે ઘર મારું,
એથી પણ સારું તારી પાસે છે !

આમ તો હોઉં છું હું એક ટકો,
જેમ નવ્વાણું તારી પાસે છે !

દેવતાઓ કરે ચમત્કારો,
ને બધા જાદુ તારી પાસે છે !

ભરત વિંઝુડા

પ્યાર જુદો છે

કાલ કરતાં વિચાર જુદો છે
આજ થોડોક પ્યાર જુદો છે

એ જ છે કે સિતાર જુદો છે
અથવા એમાં જ તાર જુદો છે

સામસામે ફૂલો જ ફેંકેલાં
પણ પછીનો પ્રહાર જુદો છે

હું જે સમજું છું તે અલગ છે ને
તું કહે એનો સાર જુદો છે

ચાહવું તે ન ચાહવા જેવું
પ્રેમનો આ પ્રકાર જુદો છે

લોહી નીકળે તો સૌને દેખાડું
પણ અહીં મૂઢમાર જુદો છે

મારે અડવું નથી જરાય તને
મારા મનમાં વિકાર જુદો છે

– ભરત વિંઝુડા