સહુની જેમ બે હાથે પૂજા કરવાની ઇચ્છા છે,
ભીતર છે એમને સામે ઊભા કરવાની ઇચ્છા છે !
કરું છું જેમ હું એમ જ કરે છે તે અરીસામાં,
હસું ને તે રડે એવા જુદા કરવાની ઇચ્છા છે !
તૂટીને રહી ગયાં સપનાં અધૂરી વારતા જેવાં,
ફરીથી ઊંઘ આવે તો પૂરાં કરવાની ઇચ્છા છે !
અહીં સૌએ મૂક્યાં છે બારણાં બારીઓ ભીંતોમાં,
ગમે ત્યારે બધાને ઘર ખૂલાં કરવાની ઇચ્છા છે !
સતત બેસી રહીને સાવ બંધાઈ ગયો છું હું,
ઘડીભર ચાલવું છે,પગ છૂટા કરવાની ઇચ્છા છે !
ભરત વિંઝુડા