તને બોલાવું…

તને બોલાવું…

ભરત વિંઝુડા

  • Home
  • About
  • અનુક્રમ
  • પઠન અને ગાયન
  • ફોટોગ્રાફ્સ
  • પુસ્તકો
  • મને ગમતી

ગઝલ જેવું લખું !

Posted in પંખીઓ જેવી તરજ, મારી ગઝલો by admin
May 10 2012
TrackBack Address.
Share

હોય તું અન્યત્ર ત્યારે હું ગઝલ જેવું લખું
તું લખે છે પત્ર ત્યારે હું ગઝલ જેવું લખું !

હોય તારા નામનાં ઘેરાયેલાં કંઇ વાદળો
હોય એવું છત્ર ત્યારે હું ગઝલ જેવું લખું !

શ્વાસમાં આવીને ઊતરી જઇ અને નાભિ સુધી
ધબકતું સર્વત્ર ત્યારે હું ગઝલ જેવું લખું !

ક્યાં રહું ને ક્યાં વસાવું ગામ કંઇ નક્કી નહીં
અત્ર અથવા તત્ર ત્યારે હું ગઝલ જેવું લખું !

તું અને તે આ અને પેલું બધું અંદર ઘૂમે
થઇ અને એકત્ર ત્યારે હું ગઝલ જેવું લખું !

- ભરત વિંઝુડા

1 Comment »

દોડું

Posted in પંખીઓ જેવી તરજ, મારી ગઝલો by admin
Apr 18 2012
TrackBack Address.
Share

હો ઊંચે એવી રીતે આવકારવા દોડું
દ્વાર ખખડે અને હું છત ઉઘાડવા દોડું

માર્ગમાં આવતી નદીને ઠેકવા દોડું
આમ સામા કિનારા સુધી ઊડવા દોડું

કોઈ પણ અર્થ વિણ અપાર દોડ દુનિયાની
હુંય થાકી જઈને ક્યાંક બેસવા દોડું

જે જગ્યાએ અવાજ તારો આવીને અટક્યો
ત્યાં સુધી જઈને તારી સાથે બોલવા દોડું

શહેરમાં આમ તેમ દોડનાર જણમાંથી
બહાર નીકળીને ક્યાંક ભાગી છૂટવા દોડું

- ભરત વિંઝુડા

2 Comments »

પંક્તિ લખી

Posted in પંખીઓ જેવી તરજ, મારી ગઝલો by admin
Apr 04 2012
TrackBack Address.
Share

કોરા કાગળ પર લીટી દોરે સખી
ને અમે એ માપની પંક્તિ લખી !

ચીતરે કંઈ એમ એનો એક હાથ
જેમ ઝૂલે વૃક્ષની એક ડાળખી !

આંખ ખોલું તો મને દેખાય એ
એ કે જેને મેં હૃદયથી નીરખી !

એક વાદળ એમ ચાલ્યું જાય છે
આભમાં, જાણે કે જળની પાલખી !

કેમ પાણીમાંથી છૂટું પાડવું
એક આંસુનાં ટીપાંને ઓળખી

- ભરત વિંઝુડા

3 Comments »

અંદરથી

Posted in પંખીઓ જેવી તરજ, મારી ગઝલો by admin
Mar 24 2012
TrackBack Address.
Share

જાગતો હોઉં છું હું અંદરથી
જીવતો હોઉં છું હું અંદરથી !

બહારથી દ્વાર કોણ બીડે છે
ખૂલતો હોઉં છું હું અંદરથી !

છેક અંદર જુઓ તો દેખાશે
ચીંધતો હોઉં છું હું અંદરથી !

સાથે બેઠાં તે રહી ગયાં પાછળ
દોડતો હોઉં છું હું અંદરથી !

શબ્દથી સ્પર્શથી ય આગળ જઇ
ચાહતો હોઉં છું હું અંદરથી !

મારું આકાશ થઇ ગયો છું હું
ઊડતો હોઉં છું હું અંદરથી !

કોઇ અંદર જવાબ આપે છે
પૂછતો હોઉં છું હું અંદરથી !

- ભરત વિંઝુડા

2 Comments »

વધે છે…!

Posted in પંખીઓ જેવી તરજ, મારી ગઝલો by admin
Mar 15 2012
TrackBack Address.
Share

એક મુઠ્ઠી રોજ ઊંચાઈ વધે છે
આપણી વચ્ચેની એક ખાઈ વધે છે !

માત્ર માણસ જાતની વસ્તી વધે નહીં
હિંદુ મુસ્લિમ શીખ ઈસાઈ વધે છે !

તું મને કંઇ દાનમાં આપે છે ત્યારે
તારી ને મારી અમીરાઈ વધે છે !

તું મધુર વચનોથી જીતી લે છે સૌને
એમ તારી પાસે મીઠાઈ વધે છે !

ભીડ ભરચક ચારેબાજુ છે છતાં પણ
કઇ દિશામાં મારી તનહાઈ વધે છે !

જ્યાં સુધી અજવાસ ફેલાઈ રહ્યો છે
માત્ર ત્યાં લગ મારી પરછાઈ વધે છે !

- ભરત વિંઝુડા

1 Comment »

સહેજ અજવાળું થયું !

Posted in મારી ગઝલો, સહેજ અજવાળું થયું by admin
Feb 09 2012
TrackBack Address.
Share

સૂર્ય ઊગ્યો ને કૂવામાં સહેજ અજવાળું થયું
એમ આ ઘરના ખૂણામાં સહેજ અજવાળું થયું !

ટેરવાઓ સ્પર્શતાં એનામાં થઇ વીજળી પસાર
ને પછી મારી ભૂજામાં સહેજ અજવાળું થયું !

એમ અંધારું ઉતરતું જાય જલતી જ્યોતમાં
સાંજ પડતાં તો દીવામાં સહેજ અજવાળું થયું !

સહેજ અંધારું થયું છે મારા પડછાયા સમું
જ્યારે સામેની દિશામાં સહેજ અજવાળું થયું !

આંખ બીડીને સતત બેસી રહેલાં આપણે
શું ખબર, ક્યારે ગૂફામાં સહેજ અજવાળું થયું !

- ભરત વિંઝુડા

5 Comments »

તારી કૃપા છે !

Posted in મારી ગઝલો, મેં કહી કાનમાં જે વાત તને by admin
Jan 21 2012
TrackBack Address.
Share

કાદવમાં ખીલ્યું એક કમળ તારી કૃપા છે
છે તે ય વળી ક્ષેમ કુશળ તારી કૃપા છે !

છે તારી કૃપા આભ ઉપર, ધરતી નીચે પણ
વચ્ચે ય અહીં સાવ અકળ તારી કૃપા છે !

ફેલાવ્યા વગર હાથ હથેળીમાં મળેલું
કંઇ ભાગ્ય રૂપે, એવી સરળ તારી કૃપા છે !

જળમાં હું લઇ નાવ અને ઘૂમી રહ્યો છું
રહી જાય જરા દૂર વમળ તારી કૃપા છે !

છે જીર્ણ ભીંતો ઘરની છતાં ઊભી અડીખમ
આ ઘરની ઉપર કેવી સબળ તારી કૃપા છે !

- ભરત વિંઝુડા

5 Comments »

જડભરત

Posted in મારી ગઝલો, મેં કહી કાનમાં જે વાત તને by admin
Jan 09 2012
TrackBack Address.
Share

ખૂબસૂરત હોય તે આવું કરાવે છે ફકત
જેવી રીતે ધ્યાન તું તારું ધરાવે છે સતત !

એક સાથે એક નહીં પણ બે ક્ષણો આબાદ થઇ
આપણે પાસે છીએ એવો મજાનો છે વખત !

નામ દીધાં વિણ હું પાડું સાદ તે સૌ સાંભળે
માત્ર એમાં તું મને આપે છે હોંકારો તરત !

તારી બાજુમાં છે એમ જ મારી બાજુમાં ય છે
કેટલા મૂશ્કેલીમાં મૂકે છે આપણને જગત !

હું મુલાયમ છું તો તું માસુમ છે એ વાતમાં
છે ભૂમિકા જેની ત્રીજા નંબરે તે છે સખત !

શેરીએ ઊભા રહી જોયા કરું છું આવ-જા
જે અહીંથી જાય છે તેઓ ય આવે છે પરત !

નામ તારું છે સરિતા એટલે વહી જાય છે
સ્થિર છું હું એથી મારું નામ રાખ્યું જડભરત !

- ભરત વિંઝુડા

3 Comments »

અવાજ તારો છે

Posted in નવી ગઝલો, મારી ગઝલો by admin
Oct 21 2011
TrackBack Address.
Share

રીત મારી રિવાજ તારો છે
બેઉ વચ્ચે સમાજ તારો છે !

શબ્દમાંથી ય સંભળાઈ જશે
સાવ નોંખો અવાજ તારો છે !

રોજ તારા ચરણને સ્પર્શું છું
મારા માથેનો તાજ તારો છે !

પ્રેમ મારો છે પ્રાથમિક અને
એના ઉપર રિયાઝ તારો છે !

બસ ખીલી મુરઝાઈ જાવાનું
આ તે કેવો મિજાજ તારો છે ?

5 Comments »

સ્પર્શાય નહીં !

Posted in નવી ગઝલો, મારી ગઝલો by admin
Oct 12 2011
TrackBack Address.
Share

તારી સુંદરતાને કોઈ ડાઘ લાગી જાય નહીં
તું બહુ માસુમ મુલાયમ છે, તને સ્પર્શાય નહીં !

તું નજીક આવી અને બોલે કે કંઈ બોલાય નહીં
અર્થ એનો એ જ છે કે વાત પૂરી થાય નહીં !

કોઈ આવીને પૂછે કે શું થયું તો શું કહું
જે તને સમજાય છે એ કોઈને સમજાય નહીં !

આવ, કોઈ ઘર બનાવીને રહીએ કે અહીં
પંખીઓ માળો કરે છે તે વિષય ચર્ચાય નહીં !

વાહનો ટકરાય છે તે માર્ગ ઉપર માણસો
આવ જા કરતાં રહે પણ એ રીતે અથડાય નહીં !

પળ પછી પળ, દિન પછી દિન વીતતાં હોવાં છતાં
આપણી પાસે નથી ને આ સમય જીવાય નહીં !

- ભરત વિંઝુડા

5 Comments »
Next page »

Recent Posts

  • ગઝલ જેવું લખું !
  • દોડું
  • પંક્તિ લખી
  • અંદરથી
  • વધે છે…!

પ્રતિભાવો

  • Rina on ગઝલ જેવું લખું !
  • Sudhir Patel on દોડું
  • Sudhir Patel on પંક્તિ લખી
  • mohanbhai on વાત પૂરી થઇ
  • mohanbhai on અંદરથી
  • Sudhir Patel on About
  • rajul b on ઇચ્છાને મળી !
  • Rina on દોડું
  • દક્ષેશ કોન્ટ્રાકટર on પંક્તિ લખી
  • Saifuddin Saifee on પંક્તિ લખી

મુલાકાતીઓ…

Enter your email address:

Delivered by FeedBurner

Locations of visitors to this page

Categories

  • નવી ગઝલો
  • પંખીઓ જેવી તરજ
  • પ્રેમપત્રોની વાત પૂરી થઈ
  • મારી ગઝલો
  • મેં કહી કાનમાં જે વાત તને
  • સહેજ અજવાળું થયું

 

May 2012
M T W T F S S
« Apr    
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  
Developed by Swati Gadhia (email) swati.gadhia@gmail.com